ગજાસુર નામે એક મોટો દૈત્ય હતો. હાથીનું રૂપ ધારણ કરીને તેણે ગરૂડની સાથે અતિ ભયંકર યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં ગરૂડે તે દૈત્યના પ્રાણ હર્યા. તેના હાડકા પર્વત પર પડી રહ્યા. ચોમાસામાં આ હાડકા પાણીમાં તણાઇને નર્મદામાં પડ્યા. એટલે તે રાક્ષસના શરીરમાં દિવ્યતા આવી. પછી તેણે ઉગ્ર તપ કર્યું. તેના અનુષ્ઠાનમાં સો વરસ વીતી ગયાં. એટલે તેનો ભાવ જોઇને શિવ પ્રગટ થયા અને બોલ્યા કે, “હે ગજાસુર, તારી ભક્તિ જોઇને હું પ્રસન્ન થયો છું. તારી ઇચ્છા મુજબનું વરદાન માંગ.”
એટલે ગજાસુર બે હાથો જોડીને બોલ્યો કે, “આ ભવમોચન ક્ષેત્રને મારું નામ આપો. આ તીર્થે આવીને જે કોઇ સત્કર્મો - જેવાં કે સ્નાન-સંધ્યા, દેવપૂજન, તર્પણ, દ્વિજ-ભોજન, દાન વગેરે કરશે તેના સર્વ પાતકો નાશ પામે. વળી અમાસે કે સંક્રાંતિકાળે, યા વિશેષ પર્વોએ, ગ્રહણ વખતે કે વ્યતિપાતમાં યા અધિક માસમાં અથવા રવિવારે કે સોમવારે જે કોઇ અહીં આવી સ્નાન, દાન વગેરે કરે તો તેનું ફળ અન્ય તીર્થ મળે તેના કરતા લાખ ગણું વધારે મળે. કુરુક્ષેત્રના જેવું આ પાવન તીર્થ થાય. એટલું વરદાન આપો. વળી આ મારું હાથીનું ચામડું આપ પહેરો અને ગરૂડથી જ મારું મોત થયું છે તેથી તો અલભ્ય લાભ થયો છે, અને ગરૂડની પણ નામના મળી છે. આથી આપ નિરંતર અહીં જ વાસ કરો અને સદ્ભક્તોની કામના પુરી કરો. એટલી જ પ્રાર્થના છે.”
એટલે શંકર ભગવાન બોલ્યા કે, “હે ગજાસુર, તારું નામ ત્રણેય લોકમાં પ્રખ્યાત થાય એટલા માટે જ હું આ તારું ચામડું આજથી જ પહેરીશ, તેમજ આ સ્થળમાં રહીને ભકતોની કામના પૂર્ણ કરીશ. એક નાનું ગરૂડ નામનું લિંગ તું અહીં સ્થાપ. તે ગરૂડેશ્વરના નામે વિખ્યાત થશે. વળી તારા ગજદેહની ખોપરી (કરાટી) જે નર્મદાજળમાં પડી હતી તેનાથી જ તારો દેહ પણ પાવન થઇ ગયો છે. એટલે રેવાતટ પર એક લિંગ કરોટેશ્વર સ્થાપ. આ બે લિંગ જે તેં સ્થાપ્યા છે તેમની આરાધના દક્ષિણ દિશા તરફ મુખ રાખીને જે કોઇ કરશે તેમને તત્ક્ષણ ફળ પ્રાપ્ત થશે.
વળી, વદ કે સુદની આઠમ કે ચૌદશે જે આ બે લિગોનું ભાવથી કરશે અને જાગરણ કરશે તેમની એકવીસ પેઢીનો હું ઉદ્ધાર કરીશ. વળી ઘૂંટી સુધી પાણીમાં ઊભા રહીને જે કોઇપણ અહીં પિતૃનું તર્પણ કરશે તેમના પૂર્વજોને હું કૈલાસમાં લઇ જઇશ. વળી, આ તીર્થમાં જે કોઇપણ એક બ્રાહ્મણને જમાડશે તેને હું લાખ બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય આપીશ. વળી જે કોઇ આ સ્થળે શિવાલય બંધાવી આપશે કે આ તીર્થ માહાત્મ્ય સાંભળશે તેને હું મારામાં જ સાંકળી લઇશ, અને તેને હું સર્વ પાપોથી મુક્ત કરીશ. વળી ગજાસુર તરીકેનો મુખ્ય ત્રણ ગણીને તારો મારા ગણમાં સમાવેશ કરું છું.’
આટલું કહીને મહાદેવ અદૃશ્ય થયા, અને ગજાસુરને વિમાનમાં લઇ કૈલાસ ગયા. ત્યારથી નર્મદા તટે ઉત્તરકાંઠે ગરૂડેશ્વર તીર્થ નિર્માણ થયું. કરોટેશ્વરની પૂર્વમાં નારદેશ્વર લિંગ છે. આ નારદેશ્વર પાસે આવીને ગુરુ રહ્યા અને ત્યાં જ સમાધિસ્થ થયા.
હરિ ૐ તત્સત ગુરુદેવ દત્ત
🙏🏻ૐ નમો નારાયણ🙏🏻



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો