🔥યજ્ઞવિધિ એ ધર્મ અને વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય છે. એમાં ગાયનું શુદ્ધ ઘી, કસ્તુરી, કેસર, મધ સહિત ચંદન, પીપળો, વડ, આંબાનાં કાષ્ઠ તથા શંખપુષ્પી, બ્રાહ્મી, શતાવરી, તલ, જવ, આમળાં જેવી આરોગ્યપ્રદ-ગુણકારી જડીબુટ્ટીઓની આહુતિ આપવામાં આવતી હોવાથી જનકલ્યાણ અને વાયુમંડળની શુદ્ધિ થાય છે
🔥જાણવા-સમજવા જેવી બાબત એ છે કે યજ્ઞની આ ધાર્મિક પરંપરા સાથે ભારોભાર વિજ્ઞાન પણ સંકળાયેલું છે. આમ તો આપણા દેશમાં મહાશિવરાત્રિ નિમિત્તે શિવભક્તો મહામૃત્યુંજય જપયજ્ઞ કરે, ઘણા ગાયત્રીભક્તો દર રવિવારે ઘરમાં ગાયત્રી યજ્ઞ કરે છે તો ઘણા ભાવિકો ભેગા મળીને એકસો કૂંડી યજ્ઞ પણ કરે છે.
🔥પૉલ્યુશનની આવી ગંભીર સમસ્યાનો નાનકડો પણ અસરકારક ઉકેલ યજ્ઞપરંપરા અને પદ્ધતિમાં રહેલો છે એવું કહીએ તો આજની એકવીસમી સદીની નવી પેઢીને જરૂર આશ્ચર્ય તો થાય. યજ્ઞ સમગ્ર વાતાવરણની શુદ્ધિ તો કરે જ છે અને સાથોસાથ સમસ્ત માનવજાતનું આરોગ્ય પણ વધારે છે. વનસ્પતિ, જંગલો, જળ, વાયુ, આકાશ, અગ્નિ અને પૃથ્વી વગેરે પંચતત્વોને પણ સલામત બનાવે છે. એટલે જ યજ્ઞપરંપરા છેક વેદકાળથી આજ સુધી અખંડપણે ટકી રહી છે આ યજ્ઞપરંપરા ભારોભાર વૈજ્ઞાનિક, સાત્વિક, જનહિતકારી અને સંપૂર્ણ આરોગ્યપ્રદ છે.
🔥યજ્ઞવિધિમાં અગ્નિહોત્ર યજ્ઞવિધિ બહુ વિશિષ્ટ મનાય છે. ભારતભરમાં વેદ સંસ્કૃતિનો પ્રચાર કરનારા અને આર્યસમાજના સ્થાપક સ્વ. દયાનંદ સરસ્વતી કહે છે, અગ્નિહોત્ર યજ્ઞવિધિમાં ગાયનું શુદ્ધ ઘી, કસ્તુરી, મધ, કેસર-ગોળ વગેરે જેવાં સાત્વિક અને સુગંધી દ્રવ્યોનો ઉપયોગ થાય છે. ઉપરાંત અષ્ટસમિધા એટલે કે આઠ પ્રકારનાં વૃક્ષનાં કાષ્ઠ (લાકડાં)નો પણ ઉપયોગ થાય છે જેમાં આંબો, વડ, પીપળો, ચંદન અને ગુલર વૃક્ષનાં કાષ્ઠનો સમાવેશ થાય છે. ઉપરાંત અન્ય સામગ્રીરૂપે એલચી, લવિંગ, શંખપુષ્પી, બ્રાહ્મી, તલ, શતાવરી, ખસ, આમળાં, ઇન્દ્રજળ, જાવિંત્રી, વચ, નેત્રવાલા, ગુલહઠી, કમળ, કેસર, વડની પાંદડીઓ, નારિયેળ, બદામ અને જવ વગેરેનો પણ સમાવેશ થાય છે. આ બધી સામગ્રી મૂળભૂત રીતે આરોગ્યપ્રદ અને ગુણકારી છે.
🔥હવે આ બધી સામગ્રીની યજ્ઞકુંડમાં શુદ્ધ મંત્રોચ્ચાર સાથે આહુતિ અપાય ત્યારે અગ્નિ સાથે સંસર્ગમાં આવવાથી અતિ સૂક્ષ્મરૂપે બનીને હવા સાથે ભળી જાય. વિજ્ઞાનનો નિયમ છે કે સમગ્ર સૃષ્ટિના કોઈ પણ પદાર્થનો ક્યારેય નાશ ન થાય, ફક્ત એનું સ્વરૂપ બદલાય. ઉદાહરણરૂપે પાણીને ઝીરો ડિગ્રીએ રાખવામાં આવે તો એ બરફ બની જાય, પણ એ જ બરફને ગરમ વાતાવરણમાં રખાય તો એનું ફરીથી પાણી બની જાય. ઉપરાંત એ જ પાણીને ઊંચા તાપમાને ગરમ કરાય તો એની વરાળ બનીને હવામાં ભળી જશે. આ કુદરતી ન્યાયે યજ્ઞકુંડમાંની બધી સામગ્રી છેવટે તો અતિ સૂક્ષ્મ કણોનું સ્વરૂપ ધારણ કરીને હવામાં ભળી જશે.
🔥ફ્રાન્સના પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી ડૉ. ટ્રિલવર્ડ અને ભારતના જાણીતા રસાયણશાસ્ત્રી ડૉ. સત્યપ્રકાશે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સાબિત કર્યું છે કે આંબાનું, ચંદનનું અથવા વડ કે પીપળાનું લાકડું સળગે ત્યારે એમાંથી ર્ફોમાલ્ડીહાઇડ નામનું વિશિષ્ટ તત્વ ઉત્પન્ન થાય છે જેમાં રોગના જીવાણુઓનો નાશ કરવાની વિશિષ્ટ શક્તિ-ક્ષમતા રહેલી છે. આમ યજ્ઞની અષ્ટસમિધા અગ્નિ સાથે સંસર્ગમાં આવે ત્યારે એમાંથી ર્ફોમાલ્ડીહાઇડ ઉત્પન્ન થઈને હવામાં ભળે અને હવામાંના પ્રદૂષિત, ઝેરી અને રોગનાં જંતુઓનો નાશ કરી સમગ્ર વાતાવરણ સ્વચ્છ બનાવે છે.
🔥વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા પુરવાર થયું છે કે યજ્ઞકુંડમાં ગાયના ફક્ત એક ચમચી શુદ્ધ ઘીની આહુતિ આપવામાં આવે તો એમાંથી નીકળતી ધૂમ્રસેરો દ્વારા હવામાં એક ટન જેટલો ઑક્સિજન ફેલાય છે. જરા કલ્પના કરો, યજ્ઞની સમગ્ર વિધિ દરમ્યાન વિશાળ વાતાવરણમાં કેટલોબધો ઑક્સિજન ભળતો હશે. આ બધો ઑક્સિજન શ્વાસ વાટે યજ્ઞવિધિ કરનારા યજમાનોનાં ફેફસાંમાં જશે અને શરીર શુદ્ધ થશે. નવી ચેતના મળશે. આમ સમગ્ર વાતાવરણ અને શરીર બન્ને સ્વચ્છ થાય.
🔥યજ્ઞોના વિવિધ પ્રકાર
આપણા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં કુલ ૪૦૦ પ્રકારના વિવિધ યજ્ઞોનો બહોળો ઉલ્લેખ છે. ઉપરાંત શ્રીમદ્ભગવદગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે કુલ ૧૨ પ્રકારના યજ્ઞોનું ઉત્તમ જ્ઞાન આપ્યું છે. આ ૧૨ યજ્ઞોમાં આત્મસંયમયજ્ઞ, દ્રવ્યયજ્ઞ, તપોયજ્ઞ, યોગયજ્ઞ, સ્વાધ્યાયયજ્ઞ, જ્ઞાનયજ્ઞ, પ્રાણયજ્ઞ અને દેહયજ્ઞનો સમાવેશ થાય છે. ચારેય વેદોમાં અશ્વમેધયજ્ઞ, રાજસૂર્યયજ્ઞ, ઇન્દ્રિયયજ્ઞ, પુત્રકામેષ્ટીયજ્ઞ, દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, અગ્નિહોમયજ્ઞ, સોમયજ્ઞ, હવીરયજ્ઞ, પર્જન્યયજ્ઞ તથા પંચમહાયજ્ઞ વગેરેનો ઉલ્લેખ છે.